વિશ્વગીતા વિશ્વમાનવ કેવા હશે...!!
આજે કોઇને પૂછીએ કે તું કોણ છે? તો તે કહેશે, કે હું ભારતીય કે અમેરીકન છું. કોઇ કહેશે કે હું હિન્દુ, મુસલમાન કે ખ્રીસ્તી છું. કોઇ કહેશે કે હું એશીયન કે યુરોપીયન છું. કોઇ કહેશે કે હું બ્રાહ્મણ કે વણિક છું. કોઇ કહેશે કે હું વેપારી કે સરકારી અફસર છું. કોઇ વળી એમ પણ કહેશે કે હું પુરુષ કે સ્ત્રી છું. મર્યાદિત વર્તુળોમાં પોતાની જાતને કેદ કરવાની બીમારીને આપણે રાષ્ટ્રીયતા, ધર્મ-સંપ્રદાય, જાતિ કે વ્યવસાય જેવાં સગવડીયા નામો આપ્યાં છે. ભાગ્યે જ કોઇ કહેશે કે હું માણસ છું.
જગતના સર્વશ્રેષ્ઠ જીવ હોવાના વહેમમાં રાચતો કાળા માથાનો માણસ વિશ્વમાનવ નામની વિભાવનાથી બહુ દૂર છે, ત્યારે બ્રહ્માંડની પરમ ચેતના સાથેના આવિષ્કારની તો વાત જ શી કરવી?
વીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનોની સદી બની રહી. એકવીસમી સદીનો પ્રારંભ માહીતિયુગ તરિકે થયો છે. ટેકનોલોજીના ક્ષેત્રે અવનવા આવિષ્કારોના સમાચાર વિશ્વના ખૂણેખૂણેથી મળી રહ્યા છે, ત્યારે માનવના મોંએ પહોંચેલો સ્વર્ગીય સુખનો પ્યાલો ઢોળાઇ ન જાય તે સારુ શાંતિમય સહ-અસ્તિત્વ અને સત્ત્વશીલ પ્રાગતિક મૂલ્યોને વરેલા વિશ્વમાનવનું નિર્માણ અનિવાર્ય છે.
કેવો હશે એ એકવીસમી સદીનો સુપર હ્યુમન? કેવું હશે તેનું વ્યક્તિત્વ? એ કેવી રીતે બોલશે અને ચાલશે? આવો, ઋષિ દર્શનના અજવાળે વિશ્વ માનવની ખોજ કરીએ.
વિશ્વમાનવ કેવો હશે? ભાષાની મર્યાદાને કારણે અહીંયા પુરુષવાચક સર્વનામ ભલે વપરાય પણ તે માત્ર પુરુષ જ હશે તેવા ભ્રમમાં કોઇ ન રહે. તે સ્ત્રી પણ હોઇ શકે. હવે પછીના વર્ણનમાં વ્યાકરણની દૃષ્ટિએ સાચું લખવા જ્યાં 'કેવો' કે 'આવો' શબ્દ વપરાય ત્યાં સમજવો.
Comments
Post a Comment